For Real Time Updates and Better Experience

Download on:

For Real Time Updates and Better Experience

Download on:

અમર પાલનપુરી – તરન્નુમના બાદશાહ જનાબ

Amar Palanpuri

ગુજરાતી ગઝલ ક્ષેત્રે પાલનપુર શહેરનું પ્રદાન ખુબ મહત્વનું રહ્યું છે. પાલનપુરે ગુજરાતને એકથી એક ઉમદા શાયરો આપ્યા છે. શૂન્ય પાલનપુરી, સૈફ પાલનપુરી, ઓજસ પાલનપુરી, અગમ પાલનપુરી, મુસાફિર પાલનપુરી, શૈલ પાલનપુરી અને અમર પાલનપુરી જેવા અનેક ગઝલકારોથી ગુજરાતી ગઝલ રળિયાત થઇ છે. એ પાલનપુર ઘરાનાના એક આલા દરજ્જાના શાયરનો એક કિસ્સો બહુ રસપ્રદ છે.

નામ પ્રવીણ મહેતા. બાળપણમાં શાળામાં અને ગામમાં પણ ‘તોફાની સરદાર’ તરીકે જાણીતા. અને તોફાની સરદારના તોફાન એવા કે શાળાની નવી જ રંગાયેલી જાજરૂની દીવાલ પર લયબદ્ધ ગાળો લખતા, અને એકવાર ગાળો લખતી વખતે આચાર્ય શૂન્ય પાલનપુરીએ તેમને પકડ્યા. શૂન્ય સાહેબે એક સણસણતો તમાચો માર્યો ને એ વિધાર્થીની જિંદગીમાં નવો વળાંક આવ્યો. એ તમાચાએ પ્રવીણ મહેતા નામના તોફાની છોકરાને લાંબા સંઘર્ષ પછી અમર પાલનપુરી એવી ઓળખ આપી, જે સમય જતા ગુજરાતી મુશાયરાનો એક મહત્વનો અવાજ બની ગયા.

પવન ફરકે તો એ રીતે ફરકજે, પાન ના ખખડે,

કોઈને સ્વપ્નમાં માંગી અમર હમણાં જ સૂતો છે.

આ શેર સાંભળીને બધા વાહ વાહ પોકારી ઉઠ્યો. અને એ દાદ દેનારોમાં હતા સૈફ પાલનપુરી, અમીન આઝાદ, શયદા, મરીઝ અને બેફામ જેવા આલા દરજ્જાના શાયરો અને શેર વાંચનાર હતા યુવાન શાયર પ્રવીણ ઉર્ફે બાબુ મહેતા, જેને આજે આપણે અમર પાલનપુરીના નામે ઓળખીએ છીએ. પાલનપુરથી પોતાના ગુરુ શૂન્ય પાલનપુરીની ભલામણચિઠ્ઠી લઈને એ મુંબઇ આવ્યા હતા. એ વાતને તો આજે સાડા છ સાત દાયકા થઇ ગયા, પણ એ ઘટના ગુજરાતી સાહિત્યમાં ‘અમર’ને અમર કરી દેનારી હતી. સ્થળ હતું મુંબઈના ગુજરાતી લેખકોનું મિલન સ્થળ તરીકે પ્રખ્યાત ‘વતન’ સામાયિકનું કાર્યાલય. એક યુવા શાયરને બધાએ ખુબ દાદ આપી અને નીનુ મજમુદાર તો તેને ત્યાંથી સીધા ‘રંગઉપવન’માં યોજાયેલા મુશાયરામાં લઈ ગયા. ચં. ચી. મહેતાની અધ્યક્ષતામાં યોજાયેલા એ મુશાયરાને આ યુવા શાયરે પોતાની ગઝલથી જીતી લીધો.

અમર પાલનપુરી પોતાની સર્જન યાત્રાનું શ્રેય પોતાના ગુરુ શૂન્ય પાલનપુરીને આપતા કહે છે કે, ‘ હું કવિ બન્યો કારણ કે શૂન્ય પાલનપુરી મારી સાથે હતા.’ અને પોતાના ગુરુને ગુરુદક્ષિણા આપતા હોય એમ લખે છે કે,

રૂપના ઘેલા છીએ,

‘શૂન્ય’ના ચેલા છીએ,

વેરમાં પાછળ હશું;

પ્રેમમાં પ્હેલા છીએ. 

અને આ શૂન્યના ચેલા માત્ર શાયર જ ન હતા, સાથોસાથ અભિનેતા અને ગીતકાર પણ હતા. પણ પ્રેમમાં પહેલા છીએ એવું કહેતા આ શાયરના પ્રેમીના સાક્ષી તો કેટકેટલા લોકો રહ્યા છે! મૂળ તો તેઓ હીરાના વ્યાપારી, સાચા હીરાને પારખનાર આ વ્યક્તિ અંગત જીવનમાં હીરા કરતા પણ વધુ ચળકાટ ધરાવતા હતા. તરન્નુમના આ બાદશાહ જયારે તેમની રચના મુશાયરામાં રજુ કરે ત્યારે મુશાયરો લુંટી લેતા.

‘ન જાયે કોઈ ખાલી હાથ મારા આંગણે આવી,

અમર એથી મરણ આવ્યું તો બસ મરવું પડ્યું મારે.’

ગઝલમાં મૃત્યુને સૌથી આબાદ રીતે ઝીલનાર બેફામ હતા, એમના પછી કદાચ મૃત્યુ વિષયક ઉત્તમ શેર અમર પાલનપુરીએ લખ્યા છે. મુત્યુ એ સનાતન અને શાશ્વત છે એથી જ ‘અમર’ લખે છે કે,

‘નાનો છું કે મોટો છું, અંતે તો પરપોટો છું.”

મૃત્યુને ઉત્તમ રીતે વ્યક્ત કરતા તો તેઓ જીવનના અનુભવે જ શીખ્યા હશે ને! શૂન્ય પાલનપુરીની ભલામણે મુંબઈ તો પહોંચી ગયા, પરંતુ મુંબઈમાં નાની ઉંમરે પ્રેમમાં નિષ્ફળતા મળતાં ગઝલો લખવાનું શરૂ કર્યું. આ પ્રેમની નિષ્ફળતાએ હૈયામાં એવી ચોટ વાગી કે હૈયું દાઝી ગયું, અને એ ખરડાયેલા હૈયે લખેલી ગઝલ ‘ઉઝરડો’ સ્વરૂપે ગઝલસંગ્રહમાં પરિણમી. પરંતુ તેમણે કદી પ્રેમિકા વિશે જણાવ્યું નથી. તેઓ લખે છે કે,

‘એ ક્ષોભથી મેં ના કર્યો ઉલ્લેખ આપનો,

લાગે ન ક્યાંક ફૂલને નાનમ વસંતમાં.”

નિષ્ફળ પ્રેમનો ભાર ઝીલતા અમર બીમાર પડ્યા અને પાલનપુર પરત ફર્યા. ગુરુ શૂન્ય પાલનપુરીએ આપેલા ‘અમર’ ઉપનામે તેમણે ગઝલ લખવાની શરૂઆત કરી દીધી હતી. સાજા થઈને ફરીવાર મુંબઈ ગયા હતા, જ્યાં શૂન્યની ભલામણથી સૈફ પાલનપુરીના ‘વતન’ સામયિકમાં માનદ્ સેવા આપી. શૂન્યએ ભલામણ પત્રમાં ‘એ સારું ગાય છે’ એવું પણ લખ્યું. સૈફ પાલનપુરીએ તેમને મહેફિલોમાં ગઝલો ગવડાવી.

તેમણે પોતાનો પ્રથમ મુશાયરો 1952માં વડોદરા રાજમહેલમાં સાથે કર્યો હતો. 1960માં અમદાવાદના શેઠ મંગળદાસ ટાઉન હોલમાં મરીઝ, સૈફ પાલનપુરી, બેફામ, ગની દહીવાલા, શેખાદમ આબુવાલા અને રતિલાલ ‘અનિલ’ જેવા શાયરો વચ્ચે અમર પાલનપુરીએ મહેફિલ લુંટી લીધી જેની નોંધ સમાચાર પત્રોમાં પણ લેવાઈ.

ફરીવાર મુંબઈના પ્રયાણ બાદ અમર પાલનપૂરી માત્ર ગઝલ પૂરતા સીમિત ન રહેતા અભિનય ક્ષેત્રે સક્રિય થયા. INT ના દામુભાઈ ઝવેરીના ભાઈ ચંદ્રકાંત ઝવેરી અમર પાલનપૂરીના પરિચયમાં હતા. દામુભાઈ ઝવેરીએ હીરાના વ્યાપારીનું હીર પારખીને તેમને ‘ઇન્ડિયન નેશનલ થિયેટર’ જોડ્યા જ્યાં તેમને જયંતી પટેલ રંગલો, મધુકર રાંદેરિયા, વનલતા મહેતા સાથે ‘નેતા-અભિનેતા’ નાટકમાં કામ કરવાની તક મળી, પ્રથમ વાર જ રંગભૂમિની આટલી મોટી સફળતાએ તેમને હીરો બનાવી દિધો.

આ સમય દરમિયાન જૂની રંગભૂમિનો યુગ પુર બહારે ખીલ્યો હતો. ‘ગુનેગાર અને મસ્તરામ’ તથા ‘સમપર્ણ’ જેવા નાટકોમાં સફળતાપુર્વક કામ કર્યું. માસ્ટર ગોરધન, સરસ્વતીબાઈ, માસ્ટર અશરફખાન, કમલાબાઈ, માસ્ટર છેલાજી સાથે પણ ખુબ કામ કર્યું. ગુજરાતી નાટકમાં અમર પાલનપૂરી સ્થિર થઇ રહ્યા હતા ત્યારે હિન્દી ફિલ્મોના નિર્દેશક રાજ ખોસલા એ મિત્ર ભાવે તેમને એક સુચન કર્યું કે, ‘આ નાટક-ચેટકના ચક્કરમાં પડવા જેવું નથી.’ અને તેમના મિત્રની વાત માની તેઓ ઈ.સ. 1962માં કાયમ માટે મુંબઈ છોડીને સુરત સ્થાયી થઇ ગયા. જે હજુ સુધી સુરત જ નિવાસ કરી રહ્યા છે.

અમર પાલનપુરીનું સુરતમાં સ્થાયી થવું એ ગુજરાતના કલા જગત માટે ટર્નિંગ પોઈન્ટ સાબિત થયો. સુરત નિવાસ દરમિયાન અમર પાલનપુરીએ 1975માં ‘સપ્તર્ષિ’ નામની કલા સંસ્થા સ્થાપી. આ સંસ્થાએ દેશ-વિદેશના ગાયકો, સંગીતકારો, કલાકારોને આમંત્રણ કલા ક્ષેત્રે બહુ મોટો ફાળો આપ્યો છે. આ સંસ્થાના નેજા હેઠળ અત્યાર સુધી ગઝલ ગાયક ઉસ્તાદ મહેંદી હસન, ઉસ્તાદ અસલમખાન, પદ્મવિભૂષણ ઝાકીર હુસૈન, આશા ભોંસલે, કવ્વાલ યુસુફ આઝાદ અનુપ જલોટા સાથોસાથ ગુજરાતના લગભગ તમામ કલાકારોના કાર્યક્રમો થઇ ચુક્યા છે.

ગઝલગાયનનો પર્યાય બની ચુકેલા ગઝલગાયક ગુલામ અલીએ કહ્યું છે કે, ‘દક્ષિણ ગુજરાતને ગઝલનું ઘેલું લગાડનાર હોય તો એ અમર પાલનપુરી છે’ તો મનહર ઉધાસ કહે છે કે, “હિન્દુઓની કાશી, મુસલમાનને મક્કા અને નવો ગાયક જ્યાં સુધી ‘સપ્તર્ષિ’ના તખ્ત પર નથી ગાતો ત્યાં સુધી ધન્ય થતો નથી. તો રજની શેઠ લખે છે કે, ‘સુરત જેને માટે ઋણી છે તે, અમરની આ સિદ્ધિ શિરમોર છે’.

Amar Palanpuri - અમર પાલનપુરી
અમર પાલનપુરીની કેટલીક શ્રેષ્ઠ ગઝલો સાંભળવા ઈમેજ પર ક્લિક કરો.

ગુજરાતી ગઝલ સુષ્ટિના આ લોકપ્રિય શાયરના પ્રથમ ગઝલસંગ્રહનું શીર્ષક ‘ઉઝરડા’ છે. આ શીર્ષકની સહજ સુયોગ્યતા જીવન સંઘર્ષને જાણનાર, સમજનાર, સહજ જ પામી શકે છે. એ રીતે આ બન્ને શીર્ષક સકારાત્મક ઘટના છે. સુખદ અને સકરાત્મક ઘટના છે.  ‘ઉઝરડા’માં અકથ્ય પીડા છે. આ શાયરની કાવ્યબાની એમના વ્યક્તિત્વની પિછાન જેવી છે.

દુઃખમાં છું સાવ એકલો એવું જણાય છે,

કહેવાને બાકી આમ તો મિત્રોય ઘણાય છે,

પાણીની જેમ આંખડી ખર્ચે છે મોતીઓ,

દિલમાં તમારી યાદના મહેલો ચણાય છે.

અને પછી લખે છે,

પૂછી રહ્યા છે સૌ મને આ શાનું દર્દ છે?

કેવી રીતે કહું કે બહુ છાનું દર્દ છે.

‘ઉઝરડા’ પછી ઉઘડ્યા આકાશ જેવો નીતર્યો ભીનો અજવાસ જેવો ‘રૂઝ’ સંગ્રહમાં નવી તાજગી લઇ આવે છે. જેમાં હાઈકુ, ચોટદાર દુહાઓ, ટૂંકી બહેરની ગઝલો અને અછાંદસ રચનાઓ મળે છે. મિત્રને કેવ ઊંચા સ્થાને બેસાડે છે એ આ દુહામાં જો મળે છે.

‘તનમન, ધનને ખાનગી જ્યાં ત્યાં ના કહેવાય,

ગુરુ ગોવિંદ ને ગોઠિયો અંધ ભરોસો થાય.’

‘રૂઝ’ સંગ્રહના સર્જક તો અમર પાલનપુરી છે છતાં તેઓ પોતાનાં અર્ધાંગિની મીનુબહેનને સાચા સંકલન કર્તા ગણાવતાં કહે છે કે 2006ના ભયાનક પૂરમાં ઘરવખરી સાથે ‘રૂઝ’ની બધી જ રચનાઓં પણ તણાઈ ગયેલી, મીનુબહેને સાંભળીને યાદ રાખી મોટાભાગની રચનાઓ ભારે જહેમત લઇ યાદ કરી સંકલન કરી પુસ્તક આકાર આપવામાં મદદ કરી અને અમર પાલનપુરને ફરી અમર કરી દીધા.

કવિ લખે છે કે,

‘મારા જીવનનું પારખું ત્યારે થશે,

સાથે તમે રહો ભલે સામો પવન રહે’

કવિ લખે છે કે મેં અને મીનુએ ઉઝરડા ને ઘસરકામાં ફેરવી નાખ્યો છે. એનો ઈલાજ પણ શોધી કાઢ્યો છે મૌન.

હર વખતમાં ટીકા અને ટિપ્પણ હતા,

મૌન પાછળ એ જ તો કારણ હતા.

પરંપરિત ગઝલના ગણી શકાય એટલા ગઝલકારો વિધમાન છે એમાંના એક ગઝલકાર અમર પાલનપુરી ગુજરાતી સાહિત્યના આકાશમાં ઝળહળતો અમર સિતારો છે. અને પણ જલસોમાં ગુજરાતી ગઝલના આ સિતારાની ઘણી રચનાઓ છેલ્લે ચિનુ મોદી ‘ઇર્શાદ’ના શબ્દોમાં અમર પાલનપુરી અમર નહિ પણ અજરા અમર છે.

Amar Palanpuri-અમર પાલનપુરી
અમર પાલનપુરીની અતિશય લોકપ્રિય ગઝલો સાંભળવા ઈમેજ પર ક્લિક કરો.

 

 

NEWSLETTER

Subscribe to our website newsletter to receive news and updates.

Get special offers directly to your email every week!

© 2019 Serva Shanti Properties Pvt Ltd. All rights reserved

Designed and developed by SolGuruz