For Real Time Updates and Better Experience

Download on:

For Real Time Updates and Better Experience

Download on:

અમદાવાદના આ Routeની સફર કરી છે ક્યારેય?

અમદાવાદના-આ-Routeની-સફર, Amdavadna aa Routeni Safar

વાત ઇતિહાસની નહિ, પરંતુ અમદાવાદની કરવી છે. અમદાવાદના એવાં સ્થળોની જ્યાંના પગલે પગલે ઈતિહાસની વાર્તાઓ મળી આવે છે. તો ક્યાં છુપાયો છે આ ઈતિહાસ? કાગળના પાનાઓમાં, લોકજીભે ગવાતા ગાણાંમાં કે પછી કાળની થાપટો ખાઈને ટકી ગયેલી ઈમારતોમાં? અમે તમને અમદાવાદની એ સફરે લઇ જવા માંગીએ છીએ, જેને અમે અમદાવાદના નકશાને આધારે તૈયાર કર્યો છે. જેમાં આ શહેરમાં જ રહેલા એવા સ્થળો તમને બતાવવા છે, જે આ શહેરનાં ઈતિહાસનાં એક એક પગથિયાં સમાન છે. કેમકે આ શહેર કંઈ સો, બસો કે છસ્સો વર્ષ જુનું નથી પરંતુ પુરાણોથી લઈને હાલના શેર બજાર સુધી સતત જીવંત રહેલું શહેર છે.

આપણા શહેર અમદાવાદનું હાલનું નામ ભલે અમદાવાદ રહ્યું પણ મૂળે તો અહમદાબાદ, તેની પહેલા કર્ણાવતી અને તેની પણ પહેલા આશાવલ અને તેની પહેલા પણ અહિંયા કોઈક તો ચોક્કસ વસતુ જ હશે ને? એક નકશો બનાવીએ અને તેમાં અમદાવાદનાં ઈતિહાસની ઘટનાઓને આધારે સફર કરીએ તો સૌથી પહેલા જઈએ વાડજ પાસે આવેલ નદી કિનારે.

આ શહેરની પૂર્વકાલીનતાની વાત કરીએ તો પહેલા તો દંતકથાઓમાં જવું પડે. પદ્મપુરાણ મુજબ આશરે 5 હજાર વર્ષો પહેલાં દેવ અને દાનવો વચ્ચેના યુદ્ધ સમયે હારી રહેલા દેવોને બચાવવા માટે દધિચી ઋષિએ દેવોના રાજા ઇન્દ્રને વજ્ર નામનું શસ્ત્ર આપવા માટે પોતાના દેહનું બલિદાન આપેલું. એ ઋષિના અસ્થિમાંથી બનાવેલા વજ્ર નામના શસ્ત્રની મદદથી ઇન્દ્રએ વિજય મેળવેલો.

આ ઘટના જે સ્થળે ઘટી તે સ્થળ એટલે દધિચી ઋષિનો સાબરમતીના કિનારે આવેલ આશ્રમ, આ વાત સાંભળીએ તો લાગે કે અમદાવાદ શહેર ફક્ત ઐતિહાસિક જ નહીં, પણ પૌરાણિક પણ છે.

નદી કિનારે આવેલ આ સ્થળે જઈને બેસો તો કર્ણાવતી કે અમદાવાદ તો તમને ભાંખોડિયા ભરતા બાળક સમું લાગશે.  જોકે દધિચી ઋષિની પછીની કથાઓ આ શહેરની માટીમાં ક્યાંક દટાઈને પડી હશે. અહિંયાથી નીકળીને જો ઇતિહાસની શોધમાં નીકળો તો તરત જ તમારે જવું પડે આશા ભીલના ટેકરે. આ સ્થળ એ અમદાવાદનાં પૌરાણિક સ્થળમાં ગણી શકાય. જોકે તેના કોઈ પુરાવા અહીં બચ્યા નથી પણ ટક્યું છે તો માત્ર આશાભીલનું નામ. સોલંકી રાજા કર્ણદેવે કર્ણાવતી નગર વસાવ્યું તે પહેલા આ સ્થળ અને તેની આસપાસ ભીલ રાજા આશાભીલનું રાજ હતું, તેમના નામથી ઓળખાતું આશાવલ. ૧૧ મી અને ૧૨ સદીના મુસાફરો અને નાટકોના લખાણમાં આશાવલ અને તેની સમૃદ્ધિની વાતો મળે છે. અહીંથી આગળ વધીને ઈતિહાસમાં થોડા વર્ષો કુદાવીએ તો આપણે આવી જઈશું કર્ણમુક્તેશ્વર મંદિરમાં. સોલંકી રાજા કર્ણદેવ પહેલાએ દક્ષિણ ગુજરાત તરફ કુચ કરતા વચ્ચે આશાભીલને હરાવીને આ શહેરને જીતી લીધું. જીતના માનમાં તેમને ત્રણ મંદિર બનાવ્યા હતા તેમાંનું એક એટલે કર્ણમુક્તેશ્વર મંદિર. ચૌદમી સદી સુધી તો બધું હેમખેમ રહ્યું પણ પછી અલાઉદ્દીન ખીલજીએ હુમલો કરી, આ શહેરમાં ફરી એક વાર તખ્તા પલટો કર્યો.

એ પછી આ શહેરને મળ્યો તેનો શ્રેષ્ઠ બાદશાહ, અહમદશાહ. જેણે આ શહેર અમદાવાદનાં પાયા નાખ્યા. કોટ ચણાવવાની શરૂઆત કરી. આ કોટનું કામ તેમના પૌત્ર એવા સુલતાન મોહમ્મદ બેગડાએ પૂરું કરાવ્યું. તેથી આ કોટનો શ્રેય સુલતાન બેગડાને પણ જાય છે. અહમદશાહે આ અમદાવાદની શાન સમા ભદ્રનાં કિલ્લાના પાયા નાખ્યાં. અહમદશાહ બાદશાહે જ મુહરત પોળની પણ સ્થાપના કરી હોવાની માન્યતા છે. જોકે ઘણા ઈતિહાસકારો એવું પણ કહે છે કે આ સ્થાપના પણ મોહમ્મદ બેગડાએ જ કરી હતી. આ સમયની ઈમારતો હજુ પણ અડીખમ ઉભી છે, તેના કાંગરા ભલે ખર્યા હોય પણ તેના પાયા હજુય મજબુત છે. આ સમયમાં કોટ વિસ્તાર ખુબ વિકસ્યો. કેટલાય સ્મારકો બન્યા છે. હજુય તમે જુના શહેરમાં જશો તો આ સમયની કેટલીય ઈમારતો અડીખમ ઉભી જોવા મળશે. જોકે ચડતી બાદ પડતી રાહ જોતી જ હોય તેમ ૧૭મી સદી પછી અમદાવાદ માટે જરા નબળો સમય આવ્યો. પેશ્વા અને મરાઠા શાસન આવ્યું જે સમયને ઈતિહાસકારોએ અંધાર યુગ સમો ગણાવ્યો.

આ સમયની નિશાની સમી ગાયકવાડી હવેલી આજે પણ શાહીબાગમાં છે. જે ઈ.સ.૧૭૩૮માં જ્યારે અમદાવાદ પેશ્વાઈ અને મોગલ સુબેદાર મોમિન ખાનના સંયુક્ત કબ્જા હેઠળ હતું ત્યારે બાંધવામાં આવી હતી. 1758માં અમદાવાદમાં મરાઠા હકૂમત આવી. મરાઠારાજ દરમિયાન અમદાવાદમાં પેશ્વા અને ગાયકવાડ વચ્ચે દ્વિમુખી શાસનપદ્ધતિ શરૂ થઈ. અમદાવાદનો વિકાસ રુંધાયો. પણ અંગ્રેજોની હકુમત આવતા ફરી એકવાર આ શહેર ઝગમગી ઉઠ્યું. અમદાવાદ તેના મૂળ રંગમાં પાછું આવ્યું. જેની નિશાની જેવી ઘણી ઈમારતો અમદાવાદમાં હજુય છે, જેમકે જુના શેર બજાર. અમદાવાદ શેર બજારની સ્થાપના ૧૮૯૪માં થઇ જે મુંબઇ શેર બજાર પછીનું સૌથી જૂનું શેર બજાર છે. ૧૯૯૬ સુધી અમદાવાદ શેરબજાર આ ઇમારતમાં ચાલતું હતું. આ ઇમારત બ્રિટિશ સ્થાપત્યનો ઉત્તમ નમૂનો છે.

આ શહેરનાં ઈતિહાસને જાણવો હોય તો આ સ્થળોએ જઈને બેસો. હજુય એવી દીવાલો અને દરવાજા આ શહેરમાં છે જે અમદવાદનાં ભવ્ય ભૂતકાળને સાચવીને બેઠા છે. જ્યાં અંકિત થયેલી છે એવી ઘટનાઓ જે આપણા માટે હજુય અજાણી છે. જરૂર તો છે આ જગ્યાઓની પણ આપણી ખાનદાની મિલકત સમજીને તેનું જતન કરવાની. અમે પહેલીવાર આ રીતે નકશા મુજબ અમદાવાદને જાણવાની કોશિશ કરી છે. અમદાવાદને મળેલ વર્લ્ડ હેરીટેજ સીટીનો તાજ એ માત્ર કાગળ પર મળેલ તકતી નથી. એ તો દરેક અમદાવાદીના શિરે શોભતો તાજ છે. જેની શાન સાચવવાની જવાબદારી પણ દરેક અમદાવાદીની જ છે. કોઈ પણ રાજા કે બાદશાહ આવે ને જાય પણ આ શહેરની ખરી હકુમત તો અહી વસનાર એક એક જણની છે.

NEWSLETTER

Subscribe to our website newsletter to receive news and updates.

Get special offers directly to your email every week!

© 2019 Serva Shanti Properties Pvt Ltd. All rights reserved

Designed and developed by SolGuruz