ગુજરાતી સાહિત્યમાં અનિલ રમાનાથ જોશીનું નામ ખૂબ જ આદરપૂર્વક લેવાય છે. ગોંડલમાં તારીખ 28/07/1940ના રોજ જન્મેલા કવિ અનિલ જોશી છેલ્લા ઘણા સમયથી મુંબઈમાં કાર્યરત છે.
મોટેભાગે પદ્યના ક્ષેત્રમાં સર્જન કરનાર કવિ આ સર્જક ગુજરાતી સાહિત્યના પ્રથમ હરોળના કવિ છે, તેમાં કોઈ બેમત નથી. કવિએ પોતાનું પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ પહેલા ગોંડલ અને પછી મોરબીમાં લીધું હતું. તેમણે 1964 માં એચ.કે.આર્ટસ કૉલેજ, અમદાવાદથી ગુજરાતી અને સંસ્કૃત વિષયો સાથે વિનયનના સ્નાતકની પદવી મેળવી હતી. તેમણે 1962 – 1969 દરમિયાન હિંમતનગર તથા અમરેલીમાં શિક્ષક તરીકે ફરજ બજાવી હતી.
આ ઉપરાંત, કવિ અનિલ જોશી પાંચ વર્ષ (1971 થી 1976) સુધી ‘કૉમર્સ’ સામયિકના તંત્રી પણ રહી ચૂક્યા છે. વાડીલાલ ડગલીના અંગત મદદનીશ તરીકે તેમણે 1976-77માં પરિચય ટ્રસ્ટમાં સહસંપાદકનો કાર્યભાર પણ સંભાળ્યો હતો. વર્ષ 1977 થી આજ પર્યન્ત મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં લેંગ્વેજ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ અંતર્ગત ગુજરાતી ભાષાના મુખ્ય સલાહકાર તરીકે તેઓ ફરજ બજાવી રહ્યા છે.
કવિ અનિલ જોશીની કવિતા તેમના વાંચકોને એક અલગ જ ભાવ વિશ્વમાં લઈ જાય છે. તેમણે ગુજરાતી પદ્ય સાહિત્યને કવિતાઓની સરસ ભેટ આપીને ઘણું જ સમૃદ્ધ કર્યું છે. કવિ અનિલ જોશી જોશીની કવિતાઓ તમે જલસો મ્યુઝિક એપના માધ્યમથી સાંભળી શકો છો.